History Of Temple

પદ્મનાભ ભગવાનનો ઈતિહાસ

આધુનિક સમયમાં ધર્મ એ મહત્વનું સ્થાન મેળવ્યું છે, પરંતુ હાલમાં ધર્મ એક પડકાર બની ગયો છે. રોજ નવા સંશોધન થતાં અનેક મંદિરો, દેવાલયો શોધાતાં જાય છે. જેને કારણે જુદા જુદા દેવી-દેવતાઓ જગતમાં સ્થાન ધરાવે છે. તેવું જાણી શકાય છે. સંશોધન દ્વારા પ્રાપ્ત થતી માહિતી દેવળો, મંદિરો અને તેના ભંગના અવશેષો પ્રાપ્ત થયા છે. જેમ કે તાજેતરમાં વૈદિક સરસ્વતી નદી તેનો ઉદભવ અને અંત (સમાવન) વિશેની માહિતી ડો. પી. એસ. ઠક્કરે ઈસરો દ્વારા મેળવી છે. જેને લીધે અનેક પ્રકારના સત્યો અસ્તિત્વમાં આવ્યા છે. સંશોધન અને શોધખોળ દ્વારા રાણીની વાવ જાણવા મળી. આવા અનેક પ્રકારનાં સ્થાપત્યો વિશ્વમાં સ્થાન ધરાવે છે. આવા અનેક સ્થાપત્યોમાંનું એક સ્થાપત્ય એટલે આપણા ગુજરાતના પ્રાચીન નગર અણહીલપુર પાટણના શ્રી પદ્મનાભ ભગવાનનું મંદિર.

અણહિલપુર પાટણ પ્રાચીન સમયમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું. આ અણહિલપુર પાટણ એક જમાનામાં વિશાળ મેદાન, ખળખળ કરતી સરસ્વતી નદીના કાંઠે આવેલી આ મેદાનીય જમીન હતી. પંચાસરના રાજા જયશિખરીના પુત્ર વનરાજે પંચાસર મેળવ્યા પછી નવી રાજધાની બનાવવા તેને આ જમીનને પસંદ કરી. અહીં આ જમીનમાં લખારામ ગામની સીમ હતી. વનરાજના માણસો અને ખુદ વનરાજ સારી જમીનની શોધમાં અહીં આવીને રોકાયા. અચાનક આ જમીનમાં તેમણે એક કુતરા ઉપર સસલાએ હુમલો કર્યો અને કૂતરૂ ભાગી ગયું. આ ચિત્ર જોઈ વનરાજે આ જગ્યાને રાજધાની તરીકે પસંદ કરી અને અહીં તેમણે એક નવી રાજધાની વસાવવાનો પ્રયત્ન કર્યો. સવંત ૮૦૨માં પંચાસરના રાજા વનરાજે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ નામની નવી રાજધાની બનાવી. લગભગ ૧૯૬ વર્ષ જેટલો સમય ચાવડા વંશના રાજાઓએ શાસન કર્યું. આ શાસનમાં જૈન મંદિરો, દેવાલયો બંધાવ્યા ત્યારબાદ મૂળરાજ સોલંકીએ પોતાના મામા (ચાવડાવંશના છેલ્લા રાજા) સામંતસિંહને મારીને પોતાનું રાજ્ય સ્થાપ્યું અને સત્તા મેળવી સોલંકીઓનું શાસન સ્થપાયું. આ સમયમાં સોલંકી રાજા મુળરાજ, ભીમદેવ અને કર્ણદેવ જેવા શાસકો થયા. ૯૪૨ માં સોલંકી વંશની સ્થાપના કર્યા પછી ખૂબ જ તેજસ્વી શાસક સિદ્ધરાજ જયસિંહ આવ્યો. આ સિદ્ધરાજ જયસિંહ ને ઇતિહાસમાં સઘરા જેસંગ તરીકે ઓળખવામાં આવે છે. તેને સિદ્ધિ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યા. તેના પછી કુમારપાળ, ભીમદેવ બીજો અને વાઘેલા વંશના શાસકો થયા. સોલંકીવંશમાં પણ  અણહિલપુર પાટણમાં મંદિરો અને દેવાલયો દિન-પ્રતિદિન વધતા ગયા. કર્ણદેવ બીજો અણહિલપુર પાટણમાં શાસક બન્યો તે સોલંકીઓનો ભાણેજ હતો. તેના વડવાઓ વાઘેલ ગામના વતની હતા. એટલે વીરધવલ અને વિશળદેવ વાઘેલા થયા. તેના પછી કર્ણદેવ વાઘેલા શાસક બન્યો. આ કર્ણદેવ તેના પ્રધાન માધવ મંત્રીની પત્ની કમલા દેવીનું હરણ કર્યું એટલે માધવ દિલ્હી ગયો. જ્યાં તેને અલ્લાઉદ્દીન ખીલજી સાથે ચર્ચા કર્યા પછી ખીલજીનું લશ્કર પાટણમાં આવ્યું. અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં અમીર ખુસરોએ ‘ઈશ્ક’ નામના મહાકાવ્યમાં નેહરવાલા શબ્દ વાપરીને અણહિલપુર પાટણની માહિતી આપી છે. મુસ્લિમ ઇતિહાસકારો અણહિલપુર પાટણને નેહરવાલા તરીકે ઓળખાવે છે. ત્યારબાદ પાટણમાં મુસ્લિમ સત્તા સ્થપાઈ અને થોડા સમય પછી મુસ્લિમ બાદશાહઓ દ્વારા અહીં તેમણે શાસન કરીને પાટણને રાજધાની બનાવી. સુબા તરીકે શાસન ચલાવનાર ખાન અજિજ કોકાએ નેહરવાલામાં કેટલાક સ્થાપત્યો કોતરાવાયા જેમાં તેણે મસ્જિદો બનાવી અને સિદ્ધિ સરોવરને ઊંડું ખોદાવ્યું. આ તળાવને ખાન બાદશાહના સમયમાં ખોદાતું હોવાથી ખાન સરોવર તરીકે ઓળખવામાં આવે છે.

પાટણના સ્થાપત્યો

ચાવડા અને સોલંકી શાસકોએ જૈન મંદિરો અને દેવાલયો બંધાવ્યા, શિવમંદિરો બંધાવવામાં આવ્યા જેમાં સિદ્ધપુરનો રુદ્રમહાલય પાટણની રાણીની વાવ, સોમનાથમાં આવેલું ભગવાન સોમનાથનું શિવ મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, દ્વારિકાનાં કેટલાક ભાગો, સ્તંભતીર્થ અને લાટના મંદિરો અને દેવાલયો, સહસ્ત્રલિંગ સરોવર, કપડવંજ તેમજ વિરમગામના તળાવો, જીજુવાડાના કિલ્લાઓ, ડભોઈનો કિલ્લો આ સિવાય સિદ્ધરાજ જયસિંહે ભદ્રનો કિલ્લો તેમજ નગરદેવી તરીકે માતા ભદ્રકાળીને બિરાજમાન કર્યા. આવા અનેક બાંધકામો માળવા અને રાજસ્થાનમાં પણ થયા એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ કે મંદિરોની દ્રષ્ટિએ અણહિલપુર પાટણનું સાંસ્કૃતિક ક્ષેત્રે એક ઊજળું પાનું મળે છે.

૧૩મી સદીમાં સંપૂર્ણપણે મુસ્લિમ શાસન અસ્તિત્વમાં આવ્યું. અહી સુલતાનો દ્વારા વજીરોએ (પ્રધાનો) કેટલાક સ્થાપત્યો કોતરાવ્યા. પાટણની પ્રજા માટે પાણીની મુશ્કેલી થવા લાગી હતી. એવું કહેવાય છે કે, આ પાટણમાં પાંચકુવાઓ પાણી પૂરું પાડતા હતા. જેમાંના કેટલાક નષ્ટ થયા છે, અને કેટલાક ના અવશેષો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. જેવા કે વિજળકુવો, ઢલુકુવો, દેરાણી-જેઠાણીનો કુવો, દામોદર કુવો અને કુંભારીયો કુવો છે. પરંતુ પાટણની કીર્તિ ,વેપાર, ઉદ્યોગ અને યશોગાથાના કારણે વસ્તીમાં વધારો થતો ગયો તેના લીધે સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ઓછું થતું ગયું એટલે મુસ્લિમ શાસકો દ્વારા દક્ષિણ દિશાએ એક સરોવર બનાવવાનું નક્કી કરવામાં આવું. આ સરોવર પ્રાચીન સોલંકી યુગનું હોવાનો એકરાર ઘણા વિદ્વાનોએ કર્યો છે. બોમ્બે ગેઝેટીયરના એક ભાગ તરીકે બરોડા ગેજેટીયર બહાર પડ્યું છે તેમાં જણાવ્યું છે કે આ સરોવર કોઈ સોલંકી રાજાએ બંધાવેલું. આ સિવાય આર્કીયોવોનીક્લ સર્વે ઓફ નોર્ધન ગુજરાતમાં શ્રી બર્જેસએ પણ આ વિધાન સ્વીકાર્યું છે. આ સરોવર પુનરોદ્ધાર કોઈ ખાને કરાવેલ તેથી તેવું નામ લોકજીભે રમી રહ્યું હોય તે સંભવિત છે. આઇને અકબરીમા આ તળાવ અકબરના દૂધભાઈ ખાન-ઈ-આઝામ પીરજા અઝીઝ કોકાએ ઈ.સ. ૧૫૯૦ ના અરસામાં બંધાવ્યાનું સૂચવ્યું છે. જ્યારે મિરાતે અહમદીની પુરવણીમાં આ તળાવ આઝાદ સરવરખાન ધોરીએ બંધાવવાનું નોધાયું છે. આ બાબતમાં કોઇ આધારભૂત નિશ્ચિત માહિતી મળતી નથી. પરંતુ તે સોલંકી-કાળનું હોવાનું ઘણે અંશે સિદ્ધ થતું હતું. ખાન બાદશાહ દ્વારા તળાવનું ખોદકામ શરૂ કર્યું અને ગામમાં ઢંઢેરો કરાવ્યો કે બધા જ ગ્રામ જનોને આ કામમાં જોડાવા માટે ફરમાન કર્યું હતું. પરંતુ તપાસ કરતા કેટલાક લોકો આ તળાવ ખોદાવવામાં જોડાયા ન હતા તેમાં. પદ્મો અને ધનુરાજ હતા. તેમાં એવું કહેવાય છે કે, એક સામાન્ય કુટુંબના કુંભાર જ્ઞાતિના એક યુવાનને અહીં કામ કરવા બોલાવવામાં આવ્યો. આ યુવાન રંગે, રૂપે, સ્વરૂપે, સાદો સરળ અને ધર્મપ્રિય હતો. તેને સુલતાનોના સૈનિકો દ્વારા માટી ઉપાડવા લાવવામાં આવ્યો. પદ્મો દિલનો ખૂબ જ પ્રેમાળ અને પ્રભુભક્તિવાળો હતો. પદ્મોતો દિવ્યજ્યોતિ હતો. તેને સંસારની આવી કોઈ નીતિ-રીતીની જાણ ન હતી. તે ભગવાન વિષ્ણુનો ઉત્તમ ભક્ત હતો. પદ્મો અને ધનુરાજ એક વનમાં માટીના તુલસીક્યારા કરીને ત્યાં સેવા પૂજા કરતા હતા. તેમને  મનતો ભગવાન વિષ્ણુ જ સર્વસ્વ હતા. બાદશાહે કહ્યું આખું નગર સાત દિવસથી કામ કરી રહ્યું છે, છતાં તમે કેમ આવ્યા નહીં પદ્માએ કહું કે એક દિવસમાં સાત દિવસનું કામ કરી આપીશું. બાદશાહ કહે ઠીક એમને સાત દિવસમાં એક માણસ જેટલી જમીન ખોદી હોય તેટલી એમને માપી ને આપીદો. સૈનિકોએ જમીન માપી આપી પદ્માએ સાત સુડલીઓ લીધી ને ધનુરાજ સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા લાગ્યા અને સુડલીઓમાં માટી એની મેળે ભરાઈ જતી અને ખાલી પણ થઇ જતી હતી. તે માટી ભરેલી સુડલીઓ પદ્માના મસ્તકથી સવાગજ ઊંચી રહેતી. તે જોઈ એક ભાઈએ બાદશાહ પાસે જઈ ખબર આપી કે, પેલો નવો કુંભાર આવ્યો તે ક્રીયાવાળો છે. બાદશાહ કહે તે ક્યાં છે? ત્યારે તેણે આંગળીના અણસારે બતાવ્યો તે જોઈ બાદશાહ મનમાં અચરત પામ્યો જાણ્યું કે આ કોઈ પ્રતાપી માણસ દેખાય છે. બાદશાહ આવીને પદ્મા કુંભારના ચરણમાં પડયો અને કહેવા લાગ્યો કે હે મહાપુરુષ ક્ષમા કરો. બાદશાહે ઘણી વિનંતી કરી રાજ ભુવનમાં તેડી ગયો ને અરજ કરી કે હે મહાપુરુષ આ મને પાઠું નીકળ્યું છે. તે મટતું નથી અને તેનાથી રાત્રે નિંદ્રા પણ આવતી નથી. કહી ઘણી પ્રાર્થના કરી ત્યારે પદ્મા કુંભારે વાડીની મૃતિકા લાવી તેના પર બાંધી દીધી અને કહ્યું કે, આનાથી સાત દિવસ ઘોર નિંદ્રા આવશે ને સાત દિવસમાં પાઠું મટી જશે, કહી ચાલ્યા ગયા. તેથી બાદશાહને ઘોર નિંદ્રા આવી એ પ્રમાણે ચાર દિવસ ચાલ્યા ગયા પણ બાદશાહ જાગ્યા નહીં તેથી રાણીઓ ઘણો ઉચ્ચાટ કરવા લાગી કે રખેને તે કુંભારે કાંઈ ઝેરી અસર કરી બાદશાહને મારી નાખ્યા એમ વિચારી પોતાના પ્રધાનને બોલાવી કહ્યું કે બાદશાહ ચાર દિવસથી મુદલ જાગતા નથી. પેલા કુંભારને બોલાવો એમને ધીરજ રહેતી નથી તેથી પ્રધાને પદ્માને બોલાવ્યા ને હકીકત કહી તેથી પદ્માએ કહ્યું મેં તમને પહેલેથી કહ્યું તું કે સાત દિવસ ઘોર નિંદ્રા આવશે ને પછી જાગશે ને દરદ પણ મટશે. તેમ છતાં તમને ખોટા ખોટા વિચાર આવતો હોય તો જુઓ કહી બાદશાહના અંગુઠાને પકડી ખેંચ્યો કે બાદશાહ જાગી ઊઠ્યો ને કહેવા લાગ્યો કે મને શા માટે જગાડ્યો ત્યારે પદ્મા કુંભારે કહ્યું તારી રાણીઓ અધીરી થઈ ગઈ અને વેમ ઉત્પન્ન થયો તેથી જગાડયા રાણીઓને બાદશાહે ઠપકો દઈ પદ્મનાભને પગે પડયો પછી પદ્મનાભ ફરી મૃતિકા બાંધી કે ત્રણ દિવસ ઘોર નિંદ્રા ભોગવી બાદશાહ જાગ્યાને જુએ છે તો પાઠું મટી ગયું. પછી બાદશાહ પદ્મા કુંભારને ઘેર આવી સ્તુતિ કરી કહેવા લાગ્યો કે આપ જ માલિક છો આપે મારું ભયંકર દર્દ કરતું દુઃખ સાત દિવસમાં મટાડયુ છે. જેથી ખાન બાદશાહે તે જ્યાં સેવા પૂજા કરતા હતા તે જમીન દાનમાં આપી હતી. તેમાં એવું પણ કહેવાય છે કે તે પદ્માએ એક ડગ (પગ) જમીન માંગી હતી જેનો નકશો આજે પણ એક પગના આકાર જેવો છે. આ પદ્મનાભ ભગવાન દુનિયાના પહેલા અને એક માત્ર એવા ભગવાન છે કે, જે સંપૂર્ણ તરીકે એકલી માટીના બનેલા છે જુદા જુદા વેસ (વાઘા), સતર, મુગટ અને પાછળ શેષનાગ છે નજીકથી જોતાં હુબહુ ભગવાન વિષ્ણુ અહીં માટી સ્વરૂપે બિરાજમાન હોય તેવી પ્રતીતિ થાય છે.